શિવ મંદિરો માં કાચબા નું મહત્વ

 

ભારતવર્ષના પ્રત્યેક શિવમંદિરમાં શિવજીની પૂજાની સાથે સાથે જ કાચબાની પણ પૂજા ભક્તો કરે છે. આ અંગેની એક પૌરાણિક ધર્મકથા છે.
એક સમયે દેવરાજ ઈન્દ્રએ કૈલાસપતિ ભગવાન શંકરની પ્રસન્નતા પામવા માટે સ્વર્ગીય ઈન્દ્રપુરીમાં પધારવા આમંત્રણ આપ્યું. શિવજીએ તેનો સ્વીકાર કરી પોતે દેવરાજ ઈન્દ્રના નિવાસ્થાને પધાર્યા.
ઈન્દ્રના દરબારમાં સ્વર્ગીય મંચ પર સુવર્ણના રત્નજડિત સિંહાસન પર શિવજી બિરાજ્યા એટલે તેમને પ્રસન્ન કરવા માટે અપ્સરાઓના નૃત્યનું અને સુરીલા કંઠવાળા ગંધર્વોના ગાનનું આયોજન કર્યું. પરંતુ શિવજીના મુખ પર પ્રસન્નતાની આછી- પાતળી રેખા પણ જોવામાં ન આવી. તેથી નિરાશ થયેલા ઈન્દ્રએ તેમની પાસેના સુખાસન પર બેઠેલા નારદજીને પૂછયું : “દેવર્ષિ શિવજીના મન પર આવા સર્વોત્તમ અને સુંદર કાર્યક્રમો યોજ્યા છતાં, પ્રસન્નતા દેખાતી નથી, માટે આપ શિવજી પ્રસન્ન થાય એવો કોઈ ઉપાય હોય તો બતાવો.”
નારદજીએ કહ્યું : “દેવરાજ ! શિવજી તો સંસારમાં રહેવા છતાં પણ પોતે અનાસકત યોગી છે. યોગીઓએ પણ તેમને “યોગેશ્વર”નું બિરુદ આપેલ છે એટલે તેમને મન આવાં પ્રલોભનોની કાંઈ કિંમત ન હોય. માટે તમે એમ કરો, શિવજી પોતે પશુપતિનાથ છે. તેમને પશુઓનું કલા – કૌશલ્ય ખૂબ ગમે છે? એટલે તમે પૃથ્વી લોકમાંથી પશુઓ અને પ્રાણીઓ લઈ આવો. એ દરેક પોતપોતાની ઉત્કૃષ્ટ કલાનું પ્રદર્શન કરે તો કદાચ તે જરૃર પ્રસન્ન થશે.”
નારદજીની સૂચના મુજબ ઈન્દ્રએ પોતાના અનુચરોને વશીકરણ મંત્ર દ્વારા મૃત્યુલોકમાંથી પશુ – પ્રાણીઓને લઈ આવવા આજ્ઞા આપી અને તત્ક્ષણ ઈન્દ્રની આજ્ઞાનો અમલ થયો.
સ્વર્ગીય મંચ ઉપર સિંહ, વાઘ, દીપડા, હાથી, ચિત્તો, વરુ, સર્પ, અજગર, કાચબો ઈત્યાદિ પશુ – પ્રાણીઓને લઈ આવવામાં આવ્યાં.
એક કાચબા સિવાય એ સર્વેએ પોતાની શ્રેષ્ઠ કલા અને શક્તિનું કૌશલ્ય બતાવ્યું. તેમ છતાંએ શિવજી પ્રસન્ન થયા નહીં. છેવટે છેલ્લે વારો કાચબાનો આવ્યો અને એ જે પોતાની કલાના નિદર્શન માટે મંચ પર આવ્યો. એક ક્ષુલ્લક પ્રાણી એવા કાચબાની ત્યાં ઉપસ્થિતિનો સર્વ પ્રાણીઓએ વિરોધ કર્યો કે, આ સ્વર્ગીય મંચ પર એક સૂક્ષ્મ પ્રાણી એવા કાચબાને સ્થાન ન હોય. નારદજીની નજર કરુણાસભર કાચબા પર પડી. તેમણે કહ્યું : “કાચબો પણ મૃત્યુ લોકનું એક પ્રાણી છે. ભગવાન શિવજીને મન સર્વ પશુ – પ્રાણીઓ સમાન છે? માટે તેને અટકાવી ન શકાય.” નારદજીના બોલ સાંભળી કાચબાને હિંમત આવી ગઈ. તેણે મંચ પર આવી સૌ પ્રથમ ભગવાન શિવજીને વંદન કર્યા અને કહ્યું :
“મને અનુમતિ મળી એટલે હું માનું છું કે મારું કામ પૂર્ણ થયું છે.” કાચબાના આ પ્રમાણે વચન સાંભળી, પોતાની જાતને જ જંગલનો રાજા માનતા સિંહને ખૂબ જ ક્રોધ ચઢયો અને તેણે કાચબાને મારવા પંજો ઉગામ્યો, એટલે કાચબાએ પ્રતિકાર કર્યા સિવાય સ્થિતપ્રજ્ઞ રહી, પોતાના અવયવો અંદર ખેંચી લીધા. સિંહે તેની પીઠ પર પંજો જોરશોરથી માર્યો છતાં કાચબાને કંઈ અસર ન થઈ.
એક નાનકડા એવા કાચબાનું આ પ્રમાણેનું અલૌકિક કલા – કૌશલ્ય નિહાળી, સ્વર્ગીય સભા અને સ્વયં શિવજી પણ પ્રસન્ન થઈ ગયા. શિવજીના મુખ પર પ્રસન્નતા ઉભરાવા લાગી.
શિવજીએ કહ્યું.
“આજની સભામાં કૌશલ્યની સ્પર્ધામાં પહેલું સ્થાન કાચબાને મળે છે.”
કાચબાએ નત મસ્તકે પુનઃ શિવજીને નમસ્કાર કર્યા અને પોતાના સ્થાને બેસી ગયો. બસ તે દિવસથી કાચબાને એક અમોઘ શક્તિના પ્રતીક તરીકે સ્વીકારી શિવજીએ પોતાના મંદિરમાં કાયમી સ્થાન આપેલ છે અને તેને પૂજાને પાત્ર બનાવ્યો છે.
આ ધર્મકથામાં વર્ણવ્યા પ્રમાણે કાચબો જેમ પોતાનાં અંગોને અંદર ખેંચી લે છે અને સિંહ જેવા મહાપ્રતાપી પ્રાણીને પણ સ્પર્ધામાં પરાજિત કર્યો તેમ પ્રત્યેક માનવીએ સંસારના વિષયોના ભોગ – ઉપભોગ તરફ સતત દોડી રહેલી ઈન્દ્રિયોને અંકુશિત કરી સંયમ દ્વારા વિષયોના વિનાશક આક્રમણમાંથી બચવા માટે સ્થિતપ્રજ્ઞ બનવું.?
આમ કાચબો સંયમનું પ્રતિક છે.

 

Leave a Reply